મોગલધામ ભગુડાનો ઇતિહાસ
મોગલધામ ભગુડાનો ઇતિહાસ
આઈ શ્રી મોગલ માં નું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામમાં આવેલું છે. જે માઁ મોગલધામ તરીકે ઓળખાય છે.આશરે 450 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા અહીં માઁ મોગલ ના સ્થાનક નું અનેરું મહત્વ રહેલું છે.મહુવા તાલુકામાં એક નાનું એવું ભગુડા ગામ આવેલું છે.ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આઈ મોગલ બિરાજમાન છે.આ ગામમાં માઁ મોગલ હાજરાહજૂર છે.આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે.દરરોજ હજારો ને લાખો ની સંખ્યામાં ભાવિકો અને શ્રદ્ધાળુઓનું આસ્થા ધામ એટલે મોગલ માં નું ધામ.
આઈ શ્રી મોગલ માં ભગુડા માં કઈ રીતે બિરાજમાન થયા
લોકકથા એવી પ્રકારની જાણવા મળે છે કે દુષ્કાળ ના સમયમાં જૂનાગઢ ચારણ નેસડા માં કામળીયા આહીર પરિવાર અને અન્ય માલધારી પરિવાર પશુઓના નિભાવ માટે ગયા હતા.ત્યાં ચારણ ના કુળદેવી આઈ શ્રી મોગલમાંનું સ્થાપન હતું.કામળીયા આહીર પરિવારના એક વૃદ્ધ માજી એ માતાજીની અનેરી સેવા કરી. વર્ષ સારું થતા માલધારી પરિવાર ફરી પોતાના વતન તરફ જઈ રહ્યા હતા ત્યારે માજીના બહેન સમાન ચારણે માતાજી તમારા રખોપા કરશે,એમ કહી આઈ શ્રી મોગલ માઁ કાપડા માં આપ્યા. કામળીયા આહીર પરિવારના માજી એ પોતાના વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપન કર્યું.ત્યારથી આઈ શ્રી મોગલ માઁ ભગુડા માં બિરાજમાન છે.
ચારણ અને આહિર સમાજના લોકો કેમ આઈ શ્રી મોગલ ને પૂજે છે?
ચારણ સમાજમાં કુળદેવી આઈ શ્રી મોગલને કામળીયા આહીર પરિવાર તેમજ ભગુડાના 60 જેટલા પરિવારો આઈ શ્રી મોગલને પૂજે છે.તથા તમામ જ્ઞાતિના લોકો માતાજીની સેવા-પૂજા અને બાધા-માનતા રાખે છે.કામળીયા આહીર પરિવાર વર્ષોથી પેઢીદરપેઢી દર ત્રણ વર્ષે માતાજીનો ભેળીયો અને લાપસી ફરજીયાત ધરે છે.તેમજ દર મંગળવારે ભગુડા ગામના બધા જ લોકો માતાજીના દર્શન કરવા ફરજીયાત જાય છે.
ભગુડા મોગલ ધામ મંદિરની વ્યવસ્થા
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આઈ મોગલ ના દર્શન કરવા આવે છે.અહીં યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર દરરોજ 24 કલાક ચાલુ જ હોય છે.યાત્રાળુઓને રહેવા માટે 20 ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થા છે.આ ઉપરાંત બધા યાત્રાળુઓ માટે સતત ચા-પાણીની વ્યવસ્થા પણ છે.ભગુડા ગામમાં ઈ.સ.1997 માં શિખર વાળું માતાજીનું નૂતન મંદિરનું નિર્માણ કર્યું.જેનો પાટોત્સવ છેલ્લા 20 વર્ષથી દર વર્ષે ઉજવાય છે.
મુસલમાન ના રાજા અને રાજપૂત દીકરીની લોકવાયકા
એક લોકવાયકા એવી છે કે વિરમગામ પંથક ના કોઈ એક ગામડામાં રજપૂતની 18 વર્ષની દીકરી પોતાના પિતાને ભાતુ આપવા જતી હોય છે ત્યારે રસ્તે જતા કડીનો મુસલમાનનો રાજા મળે છે.તે રાજા રજપૂત દીકરીને પોતાની સાથે લગ્ન કરવાનું કહે છે.દીકરી ગભરાય જાય છે.આજુબાજુ વનવગડામાં કોઈ નહોતું,એટલે દીકરીને લાગ્યું કે જો હું હમણાં ના કહીશ તો મને મારી નાખશે.એટલે દીકરીએ શાંતિથી વિચારીને કહ્યું કે તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો મારા પિતાજીને વાત કરો.મુસલમાનના રાજા કહે ક્યાં છે તારા પિતાજી? રજપૂત દીકરી કહે પેલે પાર ખેતરમાં.પોતાની દીકરીની પાછળ રાજાના ઘોડા આવતા જોય દીકરીનો બાપ ડરી ગયો.
મુસલમાનના રાજાએ દીકરીના પિતાને ડરાવી-ધમકાવીને કહ્યું કે કાલે સવારે હું તારી દીકરી સાથે લગ્ન કરી તેને કડી ની રાણી બનાવીશ.રાજા ત્યાંથી જતા બાપ દીકરી મોટેમોટેથી રડવા લાગ્યા.દીકરી બોલી બાપા આપણું ગરીબનું કોઈ નથી.રડતા રડતા દીકરીને યાદ આવ્યું કે પોતાની માં એક ચારણ દીકરીનું નામ લઈ તેમના નામનું ભજન કરતા હતા.હું પણ તેને યાદ કરું.પણ નામ યાદ ન આવ્યું.બાપાને પણ નામ યાદ ન આવ્યું.પણ એટલી જાણ હતી કે પોતાની પત્ની ભેડિયો લઈ ધૂપ-દીપ ને માળા કરતા.
આમ સવાર થતા મુસલમાનો ના રાજા ફરી આવ્યો.બાપ દીકરી ખુબ રડતા રડતા માઁ નું નામ યાદ કરતા હોય છે,પણ નામ યાદ આવતું નથી.જયારે રાજાએ દીકરીનો હાથ પકડ્યો ત્યાં દીકરીથી બોલાઈ ગયું કે આવજે માઁ મોગલ આવજે મારી માઁ મોગલ આવજે.ત્યાં તો સિંહ ગરજે એમ આકાશ ગાજ્યું ને ઓખામંડળની કાળી નાગણી બની માઁ મોગલ ડોશીના રૂપમાં આવીને ઊભા રહ્યા ને રાજાને ગરદનથી પકડી નીચે પછાડ્યો.મોગલ માં બોલ્યા તે મારી દીકરી સામે કુદ્રષ્ટિ કરી છે.મોગલ માં જ્યાં ત્રિશુલ મારવા જાય છે ત્યાં રાજા ઘોડા પર બેસી ભાગવા લાગે છે.મોગલ માં બોલ્યા ભાગ રાજા તું કેટલુંક ભાગીશ.હું મોગલ તારી વ્હારે ચઢી આજ.
રાજા ભાગતા ભાગતા વિરમગામ વટાવી સૌરાષ્ટ્રના ગોહિલવાડ માં આવ્યો.રાજા પાછળ જુએ તો મોગલ માં આવતા દેખાઈ છે.રાજા એક નાનકડા ગામમાં આવ્યો અને ગામલોકોને કહ્યું કે હું કડી નો રાજા છું મારી પાછળ એક ડોશીમા મને મારવા આવે છે.બધા ગામલોકોને કહ્યું કે બધા પોતાના ઘરને તાળા મારો અને કોઈ ખોલશો નહીં.બધા લોકો એ પોતાના ઘરે તાળા માર્યા. માઁ મોગલ આવ્યા.ત્યાં તો બધા ઘરના એક એક કરી તાળા તોડી નાખ્યા.છેલ્લે જે ઘરમાં કડીનો રાજા છુપાયો હતો તે તાળું તોડ્યું અને રાજાને બહાર કાઢી જ્યાં મારવા જાય છે ત્યાં રાજા બોલ્યો માઁ મને માફ કરો,મારી ભૂલ થઈ ગઈ.માઁ એવો શબ્દ રાજાના મોંમાંથી સાંભળી માઁ મોગલ બોલ્યા તે મને માઁ કહી,માઁ કોઈ દિવસ દીકરાને મારે નહીં.આજ દિવસ પછી કોઈપણ બહેન દીકરી સામે કુદ્રષ્ટિ કરતો નહીં.
ગામલોકોને મોગલ માં એ કહ્યું કે આ ગામમાં આજ પછી કોઈ દિવસ તાળું મારતા નહીં.ઘરમાંથી કોઈપણ વસ્તુ ચોરાઈ અને ગામનો સીમાડો વટવા દઉં તો હું માઁ મોગલ નહીં.મારાથી બચી ને આ રાજા અહીં આવ્યો અને તમે તેને આશરો આપ્યો છે તેથી આ ગામનું નામ ભગુડા પાડજો.મારુ અહીં સ્થાપન કરજો.જે કોઈ પૂરી શ્રદ્ધાઆસ્થા થી મારું નામ લેશે તેના તમામ દુઃખ-દર્દ હું પળભર માં દૂર કરીશ.જય હો મોગલ માઁ.