ચામુંડા માતાજી – ચોટીલા અહીં સિક્કા કેમ ચોંટાડવામાં આવે છે
ચોટીલાવાળી માં ચામુંડા.દૂરથી ડુંગર પર મા લખેલો શબ્દ જાણે સૌ કોઈને મા ની હૈયાતી નો અહેસાસ કરાવે છે.ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં માંડવી ની ટેકરી માં સૌથી ઉપરના શિખર પર બિરાજમાન છે માં ચામુંડા.જય માં ચામુંડા બોલતાં સુરક્ષા,શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ થાય છે.
ચોટીલા ડુંગરો જ્વાળામુખી પ્રસ્ફોટનથી બનેલો ડુંગર છે.આ ડુંગર ઉપર માં ચામુંડાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે.માં ચામુંડા આ ડુંગર પર કેવી રીતે બિરાજ્યા તેની રોચક વાત છે.દેવી ભાગવત અનુસાર આ વિસ્તારમાં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો.જે દેવી દેવતા અને આજુબાજુના લોકોને ખૂબ જ હેરાન કરતા હતા.
જેના કારણે દેવી-દેવતા એ આવા ભયંકર રાક્ષસના ત્રાસથી મુક્તિ મળે તે માટે માતા પાર્વતીને પ્રાર્થના કરી.માતા પાર્વતી આ બંને રાક્ષસોનો વધ કરવા માટે બે સ્વરૂપ ધારણ કર્યા.અને આ બંને રાક્ષસોનો વધ કર્યો.માટે ચંડ-મુંડ વિનાશિની મા ચંડી ચામુંડા કહેવાણા.માતા પાર્વતીજીએ બે સ્વરૂપ ધારણ કર્યા હતા તેથી જ માતાજીની પ્રતિમા દ્વિમુખી છે.
ગોહિલ દરબાર,સોલંકી,ડોડીયા,પરમાર,રજપૂતો,ખાચર ખુમાણ,કાઠી દરબારો,સોની,દરજી,ઠાકોર સમાજ,કચ્છમા રબારી,આહીર સમાજ અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે.ચોટીલા ડુંગર ઉપર વરસો પહેલા એક નાનો ઓરડો હતો.તે સમયે ડુંગર ઉપર ચડવા પગથિયા પણ ન હતા.છતાં માં ચામુંડા ના દર્શન કરવા બધા આવતા હતા.
ભક્તો ચોટીલા તળેટી પરથી શ્રીફળ,ચુંદડી અને પ્રસાદ સહિતની પૂજા સામગ્રી લઈને જય માં ચામુંડાના નાદ સાથે ચોટીલાનો ડુંગર ચડવાની યાત્રા શરૂ કરે છે.ડુંગર ના પગથીયા હાલ 635 છે.જેને ચડવા ઉતરવા ની અલગ અલગ વ્યવસ્થા છે.દર 100 પગથીયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે.આ ઉપરાંત પગથિયા ઉપર છાપરા હોવાથી ઉનાળો અને ચોમાસામાં યાત્રીકોને તકલીફ પડતી નથી.
સાથે સાથે પગથિયા ઉપર પંખા ઓ પણ લટકાવેલા છે.દર્શન દરમિયાન સૌથી પહેલા મહાકાળી માનુ મંદિર આવે છે.મહાકાળી માના દર્શન કરીને પોતાની યાત્રા આગળ ધપાવે છે.અને 635 પગથિયા ચડતા યાત્રિકો પહોચે છે સીધા ચામુંડા મા ના ગર્ભગૃહમા.અહીં દ્વિમુખી ચામુંડા માં બિરાજમાન છે.
અહીં સિક્કા કેમ ચોંટાડવામાં આવે છે
માતા ચામુંડાને ચોસઠ જોગણીઓ અને એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણના થાય છે.જે કોઈ અહીં દર્શન કરવા આવે છે તેને માતાજી ના પરચા અચૂક મળે છે.અને માતાજીની સામે શીશ ઝુકાવીને પરમ આનંદની પ્રાપ્તિ કરે છે.
ખાસ કરીને મંદિરના પાછળના ભાગ પર માનતાપૂર્તિ કરવા માટે સિક્કાઓ ચોંટાડે છે.ને કહેવાય છે,સાચા મનથી ભક્તો અહીં સિક્કો ચોંટાડે અને તેમનો સિક્કો અહીં ચોટી જાય તો તેમની તમામ મનોકામના પૂરી થાય છે,એવી માન્યતા છે.ચામુંડા માતાજી નુ વાહન એવા સિંહ પર કંકુ અર્પણ કરવાનું વિશેષ મહિમા છે.
આ ડુંગરની પ્રાકૃતિક સુંદરતા સૌ કોઈનું મન હરી લે છે.દૂર દૂર સુધી લીલીછમ હરિયાળી પથરાયેલી છે.ચોટીલાના ડુંગરના નીચે આવેલા તીર્થસ્થાનકો મા-ગુપ્તેશ્વર મહાદેવ,સ્વયંભૂ દેવી અને ખોડીયારમાં પોતાની બહેનો સાથે બિરાજમાન છે,જેના ભક્તો દર્શન કરે છે.
અહીં ચામુંડા માતાજીના મંદિરે વિનામૂલ્યે ભોજનાલય તથા રહેવા માટે વિનામૂલ્યે અતિથિગૃહ તેમજ ભક્તિવન નામનું બાગ-બગીચા તથા ફ્રી પાર્કિંગની વ્યવસ્થાની કામગીરી શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી છે.
અહીં દર વર્ષે આસો માસની નવરાત્રીના આઠમા નોરતે ડુંગર પર નવચંડી હવન કરવામાં આવે છે.નવા વર્ષના પ્રારંભથી લાભપાંચમ સુધી ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.તદુપરાંત દર માસની પુનમે તથા દર રવિવારે અથવા કોઈપણ સામાન્ય તહેવારે ભક્તોનો ધસારો અવિરત ચાલુ રહે છે.તેથી જ,જે કોઈ માતા ચામુંડાના દર્શન કરી લે,તેના જીવન ભરના દુઃખ દૂર થાય છે.આ આશા સાથે લાખો ભક્તો મા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
Notes: All image credited by google.