શું તમે જાણો છો….પહેલાના સમયના કાઠિયાવાડના ગામડા કેવા હતા ??
ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીના ગામડાની વાત કરીએ તો આજે ઝડપી વિકાસ સાધીને આધુનિક યંત્રમય બની ગયું છે.જૂના સમયમાં ભવાયા,વાદી મદારી,નટ બજાણીયા,રાવણ હથ્થાવાળા,રામલીલા ભજવનારાઓ ગામડાના લોકોને મનોરંજન કરાવીને બાર મહિનાનો રોટલો કમાઈ લેતા હતા.આજે ટીવી-ચેનલો,મોબાઈલ આવતા ગામડામાં મનોરંજન કરાવનાર લોકોનો રોટલો પડી ભાંગ્યો.
ગામડાની સંસ્કૃતિમાં જાનમાં લઈને જતા ગાડા-વેલડા અને જાનમાં ગવાતા ગીતો નો યુગ આથમી ગયો.તેની જગ્યાએ મોટરો,ટ્રેકટરો અને મોટરસાઈકલ આવ્યા.
ગામડાનો સાત્વિક ખોરાક બાજરાના રોટલા,ઘી,દૂધ,માખણ,લાપસી અને લાડવા ગયા,અને પાવભાજી,પાણીપુરી,કચ્છી દાબેલીએ ગ્રામ્ય રસોડામાં રાજ કરવા માંડ્યું.
ગામડાની સંસ્કૃતિ
પ્રભુદાસભાઈ લખે છે કે-અમારે એક હતું અને તેમાં રહીએ ત્યાં સુધી તેમાંથી કોઈ કાઢી શકે એવો કાયદો અમલમાં ન હતો.અમારે દર વર્ષે ભારતીય દરબારને વેરાના રૂપિયા બે આપવાના હતા.બાકી કોઈ પંચાયત ન હતી.જમીનની માલિકીનો હક કોઈનો ન હતો.જમીન પ્રજાની હતી અને તેમાં ઘર ચણતી વખતે અમે ચાર પાંચ દિવસ લ્હાવા કર્યા હતા.લ્હાવો એટલે ગામના સુથાર અથવા તો ચણતર નું કામ કરનાર મજૂર. પથ્થરો આપવામાં અને માટીના તગારા અંબાવામાં અમે સૌ ઘરના સભ્યો મદદ કરતા.
બપોરે લાપસી અને શિરો જમતા.સાંજે તો સૌ પોતપોતાના ઘરે વાળું કરે.માત્ર બાપોરે જ મજુર અહીં જમે,મોટું ઘર હોય તો સાત-આઠ દિવસમાં ચણાઈ જાય.નાનું હોય તો ત્રણ-ચાર દિવસમાં પૂરું થઈ જાય.જરૂર પડે તો દાળિયા રાખીને કામ કરાવતા.ઘર ચણાઈ જાય પછી ઘરના બૈરાં છાણ અને માટેનું લીપણ કરતા.છાપરા માટે સીમમાંથી મોટા લાકડા લાવવામાં આવતા.ગામના કુંભારે નદી કાઠે નળિયા બનાવ્યા હોય તે આપી જાય.
બે-ત્રણ વષૅ ઘરના વ્યક્તિઓ હાથે નળિયા ચાળી લેતા જેથી વરસાદના કોઈ તકલીફ ના રહેતી.ઘરની દીવાલો પર મારી બા મોર,અન્ય ચિત્રો,સાથીયા,દેરડી,ત્રિશૂલ વગેરે દોરતા.ગામડામાં ફળિયા લાંબા હોવાથી ફળિયા વચ્ચે ખાટલો નાખીને સૂએ.દિવસે બહુ ગરમી લાગે તો શેરી કે બજારમાં ખાટલા રાખીને સૂએ.ઘરનો ઉપયોગ શિયાળા કે ચોમાસામાંઅને થોડી ઘણી ઘરવખરી સાચવવા પૂરતો હતો.બાકી આખો દિવસ કામ રહેતું હતું.સૂઈ રહેવાની કે બેસી રહેવાની નવરાશ જ ના મળે.સવારના ચાર વાગ્યાથી રાતના નવ દસ વાગ્યા સુધી કામ ચાલ્યા કરે.આજના જેવી હેલ્થ ક્લબ કે લાફિંગ ક્લબની જરૂર ન પડતી.
ગામડા માં તમે આવું કામ કર્યું છે ?
ગામને વચ્ચે એક નદી વહેતી ત્યાંથી મારી બા રોજ પાણીના બેડા ભરતી અને કપડા ધોતી.અમારે નહાવું-ધોવું હોય તો નદીએ કે વાડીએ જતા.સાબુની જગ્યાએ ધોળી ધૂળ,ભૂતળોનો જ ઉપયોગ કરતા.ઓછા કપડાં પહેરવાના તેમાં મેલા થાય જ શેના, બહારગામ જવાના કે તહેવારના દિવસે પહેરવાના એકાદ જોડી કપડા માટીના કોઠલા કે લાકડાના પટારામાં પોટલી વાળી ને પડ્યા હોય.સગા સંબંધીઓને ત્યાં લગ્ન પ્રસંગે કે કાળે મોકાણએ જવાનું થાય ત્યારે ચાલીને જતા.કરિયાણાની કોઈપણ વસ્તુ ખભે ઉપાડીને ઘરે લાવતા.વધારે વજન હોય તો સંબંધી કે પાડોશીના ગાડામાં વસ્તુ લવાતી.ભાડું આપવાનું નહિ.સહકારથી,વગર પૈસે પરસ્પરના કામો સંતોષકારક રીતે ઉકેલાઈ જતા.
ઘરમાં રોજેરોજનો લોટ,હાથ વડે ઘંટીથી દળતો.ઘરમાં બધા સુતા હોય ત્યારે પરોઢીએ ઘરના મહિલાઓ વહેલા ઊઠીને દળવા બેસી જાય.અને પ્રભાતિયા ગાતા જાય.અને બીજી તરફ છાશનું ઘમર ઘમર વલોણું ચાલતું હોય છે.બા રોટલી રોટલા વગેરે ચૂલે બનાવે.અને ખાવામાં અડદની દાળ,રોટલી,રોટલા અને ઘાટી હાથની બનાવેલી છાશ.આખા વર્ષનો કઠોળ એકસાથે ભરી દેવામાં આવેલું હોય તેથી જમવામાં કઠોળના શાક વારાફરતી બને. ગામડાઓમાં ઘરે-ઘરે ભેંસો હોવાથી દૂધ વેચવા નું જ ન થતું અને દૂધ વેચવું એ પાપ ગણાતું.
ગામડામાં લુહાર,સુથાર,દરજી,કુંભાર,વાણંદ,બ્રાહ્મણ,બાવાજી,અતીતબાવા,બે-ચાર રાજપુત,કોળી,ઠાકોર,હરીજન,વણકર રહેતા.આ બધા કારીગરો પોતાનું કામ કરીને એકબીજા સાથે સંપીને રહેતા.આવું હતું સૌરાષ્ટ્રનું ગામડું.
Notes: All image credited by google.