ગુજરાતમાં કરોડોનાં ખર્ચે બનેલ નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર (પોઇચા) – જાણે તમે મહેલમાં ફરી રહ્યા હોય એવો અહેસાસ કરાવે છે
નીલકંઠ ધામ એ પરમ શાંતિનું ધામ છે.શ્રી પૂર્ણ પુરુષોત્તમ મહારાજ નું નિવાસ્થાન અને આપણી આસ્થા અને ભાવનાનું શ્રેષ્ઠ કેન્દ્ર એટલે નીલકંઠ ધામ.જ્યાં પૌરાણિક સંસ્કૃતિ અને પરંપરા આજે પણ જીવિત છે. અહીં ભગવાન સ્વામિનારાયણ શ્રી નીલકંઠવર્ણી ના સ્વરૂપમાં સાક્ષાત બિરાજમાન છે.”તીર્થસ્થળ શ્રી નીલકંઠધામ એ નર્મદા નદીના કિનારે આવેલું એક પવિત્ર હિન્દુ મંદિર છે. જે ભારતની આધ્યાત્મિક અને પૌરાણિક સંસ્કૃતિની અભિવ્યક્તિ કરે છે.”
નીલકંઠ ધામ મંદિર ની વિશેષતા
નીલકંઠ ધામ મંદિર ઈ.સ.2013 માં બાંધવામાં આવ્યું છે.105 એકર જમીનમાં ભગવાન સ્વામિનારાયણ શ્રી નીલકંઠ ધામ આવેલું છે.ભગવાન શ્રી નીલકંઠવર્ણીધામની બાજુમાં 24 એકરમાં સહજાનંદ યુનિવર્સ નામનું સંકુલ 2015માં બનાવવામાં આવ્યું છે.આ મંદિરની કલા કોતણી ખુબ જ સુંદર અને મનમોહક છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રીજી મહારાજ અને ધર્મજીવનદાસજી સ્વામીના પ્રયાસો થી આચાર્યશ્રી આનંદપ્રસાદ મહારાજ ની ઉપસ્થિતિમાં સાડા ત્રણ કરોડ સ્વામિનારાયણ મઁત્ર જાપ તેમજ 21 દિવસનો મહોત્સવ અને મહાયજ્ઞ સાથે મંદિરની સ્થાપના કરવામાં આવી.નીલકંઠ ધામ મંદિરને પશ્ચિમનું પ્રયાગ પણ કહે છે.મુખ્ય મંદિરમાં શેષનાગ સાથે વિષ્ણુ ભગવાન બિરાજમાન છે.તે ઉપરાંત ગણેશજી,હનુમાનજી,સપ્તશી,વિષ્ણુના આવતાર તથા અન્ય મંદિરો પણ આવેલા છે. નીલકંઠ સરોવરમાં 24 દેવ મંદિર આવેલા છે.
ધરતી પરનું સ્વર્ગ “નીલકંઠધામ”
નીલકંઠ ધામ એ નર્મદા કિનારે આવેલું ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવે છે. દરરોજ 108 લીટર ગાયના દૂધથી પવિત્ર સંતો ના કર કમળ દ્વારા ભગવાન શ્રી નિલકંઠવર્ણી નો અભિષેક કરવામાં આવે છે. ભગવાન શ્રી નીલકંઠવર્ણી ને નિત્ય અભિષેક અને સેવા કરનાર ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે.દરરોજ 10,000 તુલસીપત્ર થી ભગવાનનું પૂજન કરવામાં આવે છે.દરરોજ 10,000 તુલસીપત્ર થી ભગવાનનું પૂજન કરવામાં આવે છે.
બપોરે કાવડ દ્વારા ભોજન ધરવામાં આવે છે.સાંજે શ્રી નીલકંઠવર્ણી ભગવાનની આરતી થાય છે, ત્યારે હાથી સવારી પણ નીકળે છે. રાત્રે રંગબેરંગી રોશનીથી મંદિર ઝગમગી ઉઠે છે.જે આપણા મનને પ્રફુલ્લિત કરે છે. દરરોજ ભજન,ધૂન અને કીર્તન થી ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે.આ મંદિર માં 108 ગૌમુખ સ્નાન કરવાનું ખુબ જ મહત્વ છે.
નીલકંઠ ધામ મંદિરમાં કઈ કઈ વ્યવસ્થા છે?
નીલકંઠ ધામ મંદિર ની બાજુમાં એક મોટું સુંદર ગાર્ડન આવેલું છે.તેથી અહીં બાળકોને ખેલકૂદ માટે ખુબ જ મજા પડી જાય છે.તે ઉપરાંત નેચરલ પાર્ક, કલાકૃતિ હાઉસ,વોટર શો, લેસર શો, ડાન્સિંગ ફુવારા,નૌકા વિહાર વગેરે પ્રકૃતિ દર્શન થાય છે. જમવાની તેમજ પાર્કિંગ ની પણ સારી વ્યવસ્થા છે.અને હા ખુબ તો એ છે કે ત્યાંથી નર્મદા નદી પસાર થાય છે તો ત્યાં નાહવાની મજા અનેરી છે.
નીલકંઠધામ માં પ્રવેશતા જ ભગવાન શ્રી નીલકંઠવર્ણી ની ખુબ જ વિશાળ અને અદભુત મૂર્તિના દર્શન થાય છે. ભગવાન સ્વામીનારાયણની આ પ્રતિમા 152 ફૂટ ઉંચી છે.અને દોઢ કરોડથી વધુ કિંમતમાં બનાવવામાં આવી છે.જે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.આ મૂર્તિ જોઈને એવું લાગે છે કે ભગવાન નીલકંઠ સ્વયં પોતે જ અહીં બેઠા છે.અહીં મરક મરક હસતા ભગવાન નીલકંઠ ને જોઈને આપણા તમામ દુઃખો ભુલાઈ જાય છે.અને મનને આલ્હાદ્ક શાંતિ મળે છે.તેથી આ પવિત્ર ધામની મુલાકાત અચૂક લેવી જોઈએ.શ્રી નીલકંઠવર્ણી ભગવાન સૌને સુખ-શાંતિ આપે.